સમયનો તકાજો સમજી રફતાર મિલાવો

એક અંદાજ પ્રમાણે સમગ્ર ગુજરાત રાજ્યના જ્ઞાતિ સમૂહોમાં સંધિ મુસ્લિમ સમૂહનો ક્રમ ચોથો-પાંચમો ગણાય. આટલો મોટો વસ્તી સમૂહ આપણો હોવા છતાં રાજ્યના સ્થાનિક સ્વરાજમાં ગ્રામ પંચાયતોથી માંડીને સંસદ સભ્યો સુધીમાં આપણું લોક પ્રતિનિધિત્વ ૧% પણ પૂરું નથી. રાજ્યમાં આપણી જ્ઞાતિ સમૂહો કરતા ઘણા નાના નાના જ્ઞાતિ સમુહોમાંથી પંચાયત, તાલુકા પંચાયત, અને જીલ્લા પંચાયત, ધારાસભા તેમજ સંસદસભામાં આપણી ટકાવારીની દ્રષ્ટીએ અનેકગણી સંખ્યામાં પદાધિકારીઓ ચૂંટાઈને લોક પ્રતિનિધિત્વ કરે છે. આમ આપણી વસ્તીના પ્રમાણમાં આપણું સ્થાન સરકારમાં નહિવત શા માટે? નીચેના જેવા મુદ્દા વિચારી સુધારા કરવા ખાસ જરૂરી છે.


આપણો જ્ઞાતિ સમૂહ મોટો હોવા છતાં લોક પ્રતિનિધિત્વ ઓછું હોવાના કારણો:

  1. બીજી જ્ઞાતિઓ કરતા આપણી જ્ઞાતિમાં કેળવણી-ભણતરનું પ્રમાણ ઓછું.
  2. જ્ઞાતિમાં સંગઠન ઓછું. છુટા છવાયા ગામડામાં વસવાટ અને અસંગઠિતતા.
  3. જ્ઞાતિના આંતરિક વિખવાદ અને કુસંપતામાંથી બહાર ન આવવું તેમજ રૂઢિગત સુધારાનો અભાવ.
  4. સામાજિક – રાજકીય કાર્યકરો બીજી જ્ઞાતિઓ કરતા બહુજ ઓછા.
  5. ભણેલ-ગણેલ સુખી ધંધા રોજગાર વાળા જ્ઞાતિજનોની જ્ઞાતિ તરફ હમદર્દી ઓછી.
  6. લઘુતાગ્રંથીમાંથી બહાર ન આવવું અને સમાજ સુધારા તરફ ઉપેક્ષા રાખવી.

સમાજ સાથે તાલ મિલાવવા શું કરવાની જરૂર છે?

  1. આપણા બાળકોને પૂરું શિક્ષણ અપાવવા દરેક ઘરમાં માં-બાપ વાલીએ પુરતો ભોગ આપવો. પોતાના ઈતર કે વ્યસનોના ખર્ચા બંધ કરી બાળકો પાછળ શિક્ષણમાં વાપરો. વાલીઓ પોતાના ક્ષણિક લાભ ખાતર બાળકોને પૂરું ન ભણાવતા ધંધામાં મોકલે છે. જેથી આખરે તે બાળકે મોટા થઇ મજુરી અને ઢસરડા  જ કરવા રહે છે. આવું બને તો ઉત્તરોતર પછાત જ થતા જઈશું. બાળક પુરૂ ભણશે તો મળતા સામાજિક – આર્થિક લાભો તેમજ વિચારશીલ બનશે. સમાજ સાથે તાલ મિલાવશે, જીવનમાં પ્રગતિ કરશે.
  2. મોટાભાગે છુટા છવાયા તેમજ ગામડામાં રહેતા હોવાથી કોઈ સંગઠન ભાવના ન હોય. સીટી લેવલ કે તાલુકા લેવલે જીલ્લા લેવલે જ્ઞાતિ ઉત્કર્ષ મંડળો લગભગ હવે સ્થપાયેલ હોય, તેના સામ્ય દરેકે બનવું જોઈએ. આ ઉત્કર્ષ મંડળે પોતાની નૈતિક જવાબદારી સમજી દરેકને એક સંગઠનમાં રાખવા, સંપ અને સહકારનું વાતાવરણ રાખી સુખ-દુઃખમાં સહકાર આપવો જોઈએ. “જેની જમાત તેની કરામત” આ સુત્રની સાર્થકતા સમજી એક અને નેક બનો.
  3. જ્ઞાતિમાં આંતરિક મતભેદ ભૂલી, સમાજના સારા-ભલા પ્રસંગોએ ભેગા મળી સંપ અને સહકારનું વાતાવરણ જ્ઞાતિ આગેવાનોએ કરવું જોઈએ. આંતરિક વાંધા-વચકાની પતાવટ કરી સર્વાંગી વિકાસ માટે સમૂહ લગ્નો, સમૂહ ભોજનો વગેરે કાર્યક્રમો યોજી દરેકને સાથે રાખવા પ્રયત્ન કરવા. સમૂહ મેળા વખતે આપણને મળતા સરકાર તરફથી સામાજિક આર્થિક લાભો અંગે સમાજ કલ્યાણ ખાતાનો સંપર્ક સાધી પરિસંવાદ રાખવો જોઈએ. જેથી દરેકને લાભાલાભ સમજાવી શકાય.
  4. ભણેલ-ગણેલ તેમજ જાણકાર જ્ઞાતિજનોએ સામાજિક-રાજકીય, સાચી બાબતોથી જ્ઞાતિજનોને વાકેફ કરવા જોઈએ. આપણો સમાજ સામાજિક-રાજકીય લાભોથી વંચિત ન રહે તે માટે કામ કરવું નૈતિક ફરજ સમજવી જોઈએ. રાજકીય અને રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરી રાષ્ટ્રીય ભાવના કેળવવી અને આપણું હિત શામાં સમાયેલ છે તે બાબતે જે તે પક્ષમાં ફક્ત પ્રચાર નિષ્ઠ નહિ બલકે કર્મ નિષ્ઠ બનવું જોઈએ.
  5. જ્ઞાતિના ભણેલ ગણેલ અને ધંધા રોજગાર ધરાવતા સુખીજનોએ જ્ઞાતિના ઉત્કર્ષમાં પોતાનાથી બનતો ફાળો આપવો જોઈએ. જીલ્લા લેવલે જ્ઞાતિ છાત્રાલયો કરવા તેઓએ પુરતો ભોગ આપવો જોઈએ. જો છાત્રાલયોની સગવડ હશે તો દૂર-દૂર ગામડે રહેતા જ્ઞાતિના બાળકોને આશ્રય સ્થાન મળતા, ભણી-ગણી વિકાસ સાધશે. તેમજ સીટી લેવલે જ્ઞાતિનું શિક્ષણ ફંડ ઉભું કરી સમાજના સારા ભલા પ્રસંગોએ ઇમદાદ-ફાળો લઇ જ્ઞાતિના પછાત અને ગામડાના જ્ઞાતિના બાળકોને પુસ્તકો, નોટબૂકો વગેરે આપવા, પ્રસંગોપાત પ્રોત્સાહિત ઇનામો આપવા. આવું દરેક જ્ઞાતિ સમૂહોમાં છે, તે શરુ કરવાની જરૂર છે. જેથી બાળકોના ભણતરમાં ઉત્સાહ આવશે. જ્ઞાતિના સગવડતાવાળા કે સુખીજનોએ પણ ભૂલવું ના જોઈએ કે આ જ આપણો સમાજ છે. આપણી ભાવિ પેઢીનો વહેવાર તેઓની સાથે જ રાખવાનો છે. આખર એક જ છીએ. યથાશક્તિ ફાળો આપી જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યો કરાવવા આગળ આવવું જોઈએ.