રાજકોટનાં સંધિ મુસ્લિમ સમાજનાં પ્રથમ ડોક્ટર

મર્હુમ ડો. મેરૂભાઈ અભરામભાઇ ઠેબા

રાજકોટમાં સંધિ મુસ્લિમ સમાજમાં પ્રથમ ડોકટર તરીકે કોઈ હોય તો તે (સ્વર્ગસ્થ) ડો. મેરૂભાઈ અભરામભાઇ.

રાજકોટ પાસેના શાપર (વેરાવળ) ગામમાંથી અભ્યાસ પૂરો કરીને ૧૪ વર્ષની ઉમરે રાજકોટ આવીને તે વખતના પ્રખ્યાત ડોક્ટર શામજી ટોકરશીને ત્યાં કમ્પાઉન્ડરની નોકરીમાં રહ્યા. રાત્રે અંગ્રેજીનો અભ્યાસ કરીને તેઓએ ઈ.સ. ૧૯૨૨માં સ્વતંત્ર રીતે ડોક્ટર તરીકેની પ્રેક્ટીસ શરુ કરી હતી.

તેમની મહેનત, કુશળતા, સેવાભાવી વૃતિ અને નીતિમત્તાનાં કારણે તળપદ રાજકોટમાં અને આસપાસના ગામડાઓમાં તેમજ ગરીબ અને પછાત વર્ગમાં તેમણે સારી નામના મેળવી હતી.

કરાચીના પ્રખ્યાત ગુજરાતી લેખક જનાબ અબ્દુલ સત્તાર ગોપલાણી જેઓ મૂળ રાજકોટના વતની હતા પણ આજાદી બાદ કરાચી ચાલ્યા ગયેલ તેમણે “વીતેલી વાતો” નામના પોતાના પુસ્તકની પહેલી આવૃત્તિ ફેબ્રુઆરી ૧૯૯૨માં કરાચીમાં બહાર પાડી છે. જનાબ ગોપાલાણીના આ પુસ્તકમાં પાનાં નં. ૧૨૬/૧૨૭ માં ડોક્ટર મેરુ અભરામ વિશે ઘણી વાતો લખી છે. તેમાંથી મુદ્દાસરની વાતો જનાબ ગોપાલાણીના લખ્યા મુજબ આ પ્રમાણે છે:

“ચાલો હવે એક મુસ્લિમ ડોક્ટર મેરુ અભરામ ને યાદ કરીએ. ડો. મેરૂ અભરામ જાતે સિંધી (મુસ્લિમ સંધિ) હતા. તેમણે કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી સારો એવો અનુભવ મેળવ્યા બાદ સિનેમા રોડ ઉપર પોતાનું દવાખાનું કાયમ કરી દીધું હતું.”

“ગામડાના છોકરાઓને મથામાં નાની નાની ફોડીઓ (ફોડલીઓ) થઇ તેમાં જીવાત પડી જાય તે બીમારીમાં ડો. મેરૂભાઈ પાસે સચોટ ઈલાજ હતો. માથામાં એક જાતનો પાઉડર છાંટતા એટલે મંડે છોકરો રાડારાડ કરવા. પાઉડર માથા ઉપર પડવાની સાથે જ જીવડાઓનો જમીન ઉપર ઢગલો થઇ જતો. ત્યાર બાદ મલમનું જાડું પડ ઉપર લગાવી દેવામાં આવતું. આ રીતે ગામડાના છોકરાઓનો રોગમાંથી છુટકારો થઇ જતો. “સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા” જેવો ઈલાજ હોવાથી ગરીબોમાં ડો. મેરૂભાઈનો જય જયકાર બોલાતો”

આ પુસ્તક ડો. મેરૂભાઈની પ્રખ્યાતી અંગેની માહિતી માટે પુરતું નથી. ડો. મેરૂભાઈ રાજકોટના સર લાખાજીરાજનાં સ્ટેટના સમયની મ્યુનિસિપલ કાઉન્સિલના સભ્ય હતા. એટલું જ નહિ પણ તેમની સેવાભાવી નીતિમત્તાના કારણે તેમણે શહેર જુમ્મા મસ્જીદમાં પણ સેવાઓ આપેલ હતી. તેમજ અખિલ સૌરાષ્ટ્ર સંધી (મુસ્લિમ) સમાજની રચના થઇ ત્યારે તેના પ્રથમ પ્રમુખ ડો. મેરૂભાઈ હતા.

આઝાદી બાદ તેમના વિસ્તારોના સેવાભાવી કોંગ્રેસી કાર્યકર તરીકે જાણીતા હતા. અને તેમની કદર રૂપે રાજકોટના વોર્ડ નં. ૧ (એક) માં હાથીખાના મેઈન રોડ ઉપર તેમના મકાન પાસેની શેરીનું નામ ડો. મેરૂભાઈ અભરામભાઇ વાળી શેરી – પાડવામાં આવેલ જે હાલ મોજુદ છે.

ડો. મેરૂભાઈ પોતે જીવ્યા ત્યાં સુધી પોતાનો વૈધકીય વ્યવસાય ચાલુ રાખ્યો હતો અને તેમણે પોતાના ઘણા કુટુંબીજનોને પણ આ લાઈન શીખવાડી હતી. તેમના કુટુંબીજનો માંહેના એક તે તેમના મોટાભાઈના પુત્ર ડો. નૂરમહંમદભાઈ, જેઓ કરાચી જઈને એમ. બી. બી. એસ. થયા અને પછી અરબસ્તાનમાં મદીના શહેરની હોસ્પીટલમાં સેવા આપીને નિવૃત થયા પછી બાકીની જિંદગી મદીના શહેરમાં જ ગાળી છે.

ડો. મેરૂભાઈના અન્ય કુટુંબીજનો પણ હાલમાં રાજકોટમાં જ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી રહ્યા છે.

ડો. મેરૂભાઈના વૈધકીય વ્યવસાય દરમ્યાન મેલેરિયા, તરિયો કે એકાંતરિયો તાવ વગેરે રોગો માટેની તેમની દવાઓ પણ ઘણી મશહૂર હતી. ચામડીના રોગો માટેના તેમના મલમો અને પાઉડરો તો એ જમાનાથી માંડીને આજ સુધી, માત્ર દેશમાં જ નહિ, પરદેશમાં પણ પ્રખ્યાત હતા અને છે.