સંધિ સમાજ અને શિક્ષણ

આજથી ૨૦ વર્ષ પહેલા મુસ્લિમ સંધિ સમાજ માં શિક્ષણનું પ્રમાણ ખૂબજ ઓછું જોવા મળતું હતું. તેની સરખામણી માં અત્યારે મુસ્લિમ સંધિ સમાજમાં શિક્ષણમાં વધારો અને જાગૃકતા જોવા મળી રહી છે. મુસ્લિમ સંધિ સમાજે જો વિકાસ કરવો હોય તો તેના પાયામાં એજ્યુકેશન હોવું ખૂબ જ જરૂરી છે. એજ્યુકેશન વગર કોઈ પણ સમાજ વિકાસ સાધી શકે નહિ. તે વાત આજ મુસ્લિમ સંધિ સમાજ સારી રીતે જાણે છે. આજ મુસ્લિમ સંધિ સમાજ તેમના પુત્ર/પુત્રીઓને સારું ભણતર અપાવવા માટે જાગૃત થયેલ જોવા મળે છે. મુસ્લિમ સંધિ સમાજ ના બાળકો યોગ્ય માર્ગદર્શનના અભાવે આગળ વધી શકતા નથી. જેથી તેમનો વિકાસ માર્યાદિત થઇ જાય છે. જો મુસ્લિમ સંધિ સમાજના બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તે કોઈ પણ સમાજના બાળકો કરતા સહેજ પણ ઉણા ઉતરે તેમ નથી. એજ્યુકેશન અને સંગઠનના અભાવે મુસ્લિમ સંધિ સમાજની વસ્તી મુજબ દરેક ક્ષેત્ર માં સંધિ મુસ્લિમોનું યોગદાન હોવું જોઈએ તેનાથી ખૂબ જ ઓછું છે. આજ મુસ્લિમ સમાજના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાની યોગ્ય જાણકારી અને યોગ્ય માર્ગદર્શનના અભાવે ઉચ્ચ અભ્યાસમાં ઘણાં પાછળ છે. મુસ્લિમ સંધિ સમાજે પછાત સમાજની છાપ એજ્યુકેશનના જોર ઉપર ભૂંસવી પડશે. આપણે ક્યાં સુધી પછાત નું લેબલ લગાવીને ફરતા રહીશું? શું આપણા સમાજમાં કાબેલિયત નથી? નાં. એવું નથી. આપણો સમાજ કાબેલ અને બાહોશ છે. તેને જરૂર છે ફક્ત યોગ્ય માર્ગદર્શનની. તો ચાલો મુસ્લિમ સંધિ સમાજને સુશિક્ષિત અને વિકાસશીલ બનાવવા માટે દરેક ભાઈઓ અને બહેનોએ સંગઠિત થઇ સમાજના માર્ગદર્શક અને પથદર્શક બનીએ તે જ આજના સમય ની માંગ છે.

મુસ્લિમ સંધિ સમાજને સુશિક્ષિત અને વિકાસ ના રાહ ઉપર લઇ જવા માટે દરેક સંધિ મુસ્લિમ ભાઈ અને બહેને પોતાનું યોગદાન આપવું જરૂરી છે. આ માટેની શરૂઆત દરેક સંધિ મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ પોતાના ઘર પછી કુટુંબ અને ગામથી કરવી જોઈએ. દરેક શહેર અને ગામમાં સંધિ મુસ્લિમ આગેવાનોએ એક એજ્યુકેશન કમિટી બનાવી તે વિસ્તારના વિદ્યાર્થીઓને તેમની રૂચી મુજબની કેરિયર બનાવવામાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે અને વધુ અભ્યાસ માટે અમદાવાદ અને સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં સંધિ સમાજ દ્વારા ઉભી કરાયેલ માળખાકીય સુવિધા અંગે માહિતગાર કરવામાં આવે તો આવતા પાંચ દસ વર્ષમાં મુસ્લિમ સંધિ સમાજ એજ્યુકેશનમાં વિકાસ હાંસલ કરી શકે છે.

ગુજરાતમાં અને તેમાં પણ ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુસ્લિમ સંધિ સમાજની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે તેમ છતાં આપણા સમાજનું સરકારી/અર્ધ સરકારી/કોર્પોરેટ કે રાજકીય, સામાજિક ક્ષેત્રે પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. જો એજ્યુકેશનમાં સારો વિકાસ હાંસલ કરવો હોય તો દરેક ગામ અને શહેરોના મુસ્લિમ સંધિ સમાજના બાળકોનો ઉત્સાહ વધારી તેમને એક નવા યુગ ની શરૂઆત કરવી પડશે અને તેની પહેલ અમદાવાદથી સને ૨૦૧૫-૨૦૧૬ થી કરવામાં આવી છે.

અમદાવાદના યુવાનો દ્વારા ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજની સ્થાપના કરવામાં આવેલ છે. હાલમાં અમદાવાદમાં વસતા આશરે ૫૦૦ જેટલા ઘર સભ્યપદ ધરાવે છે. ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ દ્વારા સને ૨૦૧૬ માં શાળામાં અભ્યાસ કરતા ૪૫૦થી વધુ સંધિ સમાજના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, નોટબૂક્સ, કંપાસબોક્ષ નું વિતરણ કરવામાં આવેલ. અને સને ૨૦૧૭માં પણ કિટ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ સમાજના જરૂરિયાતમંદ લોકોને પણ આવશ્યક જરૂરી સહાય સામગ્રી આપવામાં આવે છે.

અમદાવાદના ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ દ્વારા માળખાકીય સુવિધા ઉભી કરી સમગ્ર ગુજરાતના તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર/કચ્છમાં મુસ્લિમ સંધિ વસ્તી ધરાવતા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓનો સર્વે કરી યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા અને રૂચી મુજબ એજ્યુકેશનમાં તેમજ તેમની કેરિયર બનાવવામાં યોગ્ય માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે તો સંભવ છે કે આવતા કેટલાક વર્ષોમાં મુસ્લિમ સંધિ સમાજના યુવાનો સામાજિક અને આર્થીક ક્ષેત્રે તેમજ આઈ.એ.એસ./આઈ.પી.એસ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા હાંસલ કરતા જોવા મળશે. અને તેનો સીધો લાભ આપણા સમાજને, આપણા રાજ્યને અને આપણા દેશને થવાનો છે. આના માટે અમદાવાદના ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજના યુવાનો પ્રયત્નશીલ છે. અને દરેક ગામ/શહેરના મુસ્લિમ સંધિ સમાજના આગેવાનોનો તન, મન અને ધનથી સહયોગ મળે તેવી આશા અને અપેક્ષા રાખવામાં આવે છે.

લેખ: નિઝામભાઈ રાઉમા, (કમિટી મેમ્બર) ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ.